Friday 8 July 2011

વરસાદની મોસમ ચાલી રહી છે,ક્યાંક પહેલો તો ક્યાંક બીજો વરસાદ લોકોને ભીંજવી રહ્યો છે...ત્યારે વરસાદી વાતાવરણ માં માણો અમરેલીના કવિ હર્ષદ ચંદારાણાનું આ વરસાદી કાવ્ય.........

હેય..નાઠા તરસ-મહારાણી
આભથી વરસ્યા એટલા પાણી

તુંય "વર્ષાની ધાર" દેખાણી
આભથી વરસ્યા એટલા પાણી

આભમાં તું ને આભ મારામાં
આભથી વરસ્યા એટલા પાણી

છાલિયા જેમ ખેતરો છલક્યાં
આભથી વરસ્યા એટલા પાણી

ડુંગરા ના’યા,પણ વરસ દા’ડે
આભથી વરસ્યા એટલા પાણી

રણ હતું તે હવે સરોવર છે
આભથી વરસ્યા એટલા પાણી

કોષ વાદળને ધોરીયા નેવાં
આભથી વરસ્યા એટલા પાણી

છિદ્ર છતની સહિત ગળ્યા મનમાં
આભથી વરસ્યા એટલા પાણી

ઓરડા છોળ-છોળ જળબંબોળ
આભથી વરસ્યા એટલા પાણી

હોંશથી ચડતી લાપશી ચૂલે,
આભથી વરસ્યા એટલા પાણી

અંજલિમાં લીધી,નદી પીધી
આભથી વરસ્યા એટલા પાણી

આંગણું ભૂલી ઘૂઘવે દરિયો
આભથી વરસ્યા એટલા પાણી

ઉપડી વેગે નાવ કવિતાની
આભથી વરસ્યા એટલા પાણી

સામું ઘર...સામે પાર...દેખાણું
આભથી વરસ્યા એટલા પાણી

લૈ ગયાં તાણી ભાન ને અભિમાન
આભથી વરસ્યા એટલા પાણી

જ્ઞાન ડૂબ્યું,ડૂબી ગયાં જ્ઞાની
આભથી વરસ્યા એટલા પાણી

થૈ જતાં બુંદ-બુંદ પણ બ્રહ્માંડ
આભથી વરસ્યા એટલા પાણી

આભ સાથે હું પણ થયો ખાલી
આભથી વરસ્યા એટલા પાણી

-હર્ષદ ચંદારાણા

No comments:

Post a Comment