Friday 22 July 2011

આખી રાત કહેવાની વાત જે બોલવા છતાં પણ બોલી શકાતી નથી....ત્યારે વાતને ઝાકળના ટીપાંમાં કન્વર્ટ માત્ર હર્ષદભાઈ જ કરી શકે...

આખીએ રાત તને કહેવાની વાત મેં
બોલ્યે રાખી તો થયાં ઝાકળનાં પાંચ સાત ટીપાં…

હોઠે જો હોત એ પંખીનું ગીત થઇ
છોડી હું દેત એને ફળિયાની ડાળના માળામાં
પગની જો થાત એ રણઝણતી ઝાંઝરી
મૂકી હું દેત એને સત્તરમા ઓરડે તાળામાં

અરે આંખોથી, ખોબાથી, ફૂલોથી, પાનોથી
કેમે સચવાય ના, ઝાકળનાં પાંચ-સાત ટીપાં…

પહેલું કિરણ જ્યાં સોયની અણી થઇ
સૂરજનું ખૂંપ્યું તો ફૂંટ્યાં કાળા ડિબાંગ પરપોટા
બીજું કિરણ જ્યાં ટીપાંને સ્પશ્યું ત્યાં
ટીંપાંમાં પડી ગયાં જળનાં ય કારમા તોટાં

મારા બોલ્યાનો નાદ, તને કહેવાની વાત ને
અંધારી રાત થયા દિવસ જેવા જ ખાલીપા…

- હર્ષદ ચંદારાણા

No comments:

Post a Comment